15 - વીજળી જેવા સમયે / જયેન્દ્ર શેખડીવાળા


વીજળી જેવા સમયને સ્હેજ પડછાયો ઘસાયો
તે પછી હું શ્હેરમાં દીવાસળી થઇ ઓળખાયો

સ્પર્શ દરિયાનો થયો ને એ ત્વચા થઇ રહી ગયો
ગામમાં અફવા છે માણસ એક પાણીથી દઝાયો

ભેખડો તૂટતી રહે છે ને નદી વહેતી રહે
ક્યાં નદીને થાય છે મારો જ કિનારો ઘવાયો

સ્વપ્નમાં આવે હંમેશાં મૃત માતાનાં સ્તનો
શાહીના ખડિયે હું તેથી તો કલમ થઇને લપાયો

સાંજની જીવલેણ બેચેની લઇ પંખી ઉડ્યું -
આ જુઓ, પીંછાં ખર્યાં ને હું ક્ષિતિજો પર છવાયો

ક્યાંક અફવા થઇ ગયેલા ગામનો હું જીવ છું
એટલે તો હું ગઝલની કિંવદંતીમાં સમાયો0 comments


Leave comment