16 - નિર્વેદ / જયેન્દ્ર શેખડીવાળા


હાથ પસવાર્યા કરું દાઢી ઉપર આખો દિવસ
એ સમયના ઘાસને પણ કોણ કહે તું દૂર ખસ

તથ્ય છે બળતી હવા સિગરેટનું, પણ તે છતાં
દાંત પર મૂકી તણખલું તું હજી લેવા દે કશ

એક પાગલના મગજનો થાક ઊતર્યો એ રીતે
કે, પછીથી સાંજની ચિરાઇ ગઇ છે ધોરીનસ

તું હવે સંદેહ ના કર કાં બગીચો રણ થયો
મૃગની દ્રષ્ટિમાં હું ને ફૂલની વચ્ચે તરસ

ચંદ્રના ઊગવાથી મારા લોહીને ભરતી મળે
તું હજી તો ઓટ થઇ લંબાય છે વરસોવરસ


મૃગની દ્રષ્ટિમાં હું ને ફૂલની વચ્ચે તરસ = મૃગતૃષ્ણા


0 comments


Leave comment