22 - માણસ નામના તંબુ વિશે / જયેન્દ્ર શેખડીવાળા


શ્વાસથી માણસ અને આકાશથી દિવસ સજીવન થઇ ગયો છે કઇ રીતે તંબુ વિશે
કે સમયખંડો અને ત્રિકાળ વચ્ચે ખેલ કરતું કોઇ માણસ નામના તંબુ વિશે

કૈં યુગોથી અશ્વ સાતેસાત સૂરજના ફરે છે ફેરકુંડાળે અહીં આ રિંગમાં...
કે સદેહે પાપ કૈંક જનમોજનમનાં ભોગવ્યા કરતાં સજાઓને હવે તંબુ વિશે

એક ઝૂલો એક પીડા - એક તાળી યા દિલાસો - કે વિદૂષકની તૂટેલી આંખ શી -
કંઇક ઘટનાને તરત પામી જશે તું પણ પિરામિડનાં રહસ્યોથી ભર્યા તંબુ વિશે

ત્રાટકીને હરઘડી જન્માંધ મારી લાગણી પર કોણ હાથીનાં કટક દોડાવતું ?
ને પીડાના પ્હાડ ઊંચકીને સતત આ કોણ ઊભતું રોજ માણસ નામના તંબુ વિશે

તેં સનાતન ! લખચોર્યાસી વ્યથાના ચાબખા ફટકારી દીધા કાંઇપણ કારણ વિના
પીઠ પર થીજી ગયેલા લોહીના સોગંદ ! તું હલકટ રમતને રોક ઝટ, તંબુ વિશે


સમયખંડો = પરિમિતતા,
ત્રિકાળ = અપરિમિતતા0 comments


Leave comment