23 - પીડાનો મિનારો / જયેન્દ્ર શેખડીવાળા


દિવસ પણ હવે તો મને દે છે જાસો અનાગત ઘડીના પ્રહારો બનીને
સતત ક્ષણથી ક્ષણમાં ગરક થઇ જજે તું સમયનો અજાણ્યો ઈશારો બનીને

અનાદિ મળ્યું છે મને શ્વાસ – છળ/ને પણે મૃત્યુ નામે જો સમજણ ઊભી છે
તથાગત ! વસું છું હવે બેઉ મધ્યે હું પીડાનો ઢળતો મિનારો બનીને

જરી આંખ મીંચી-ઉઘાડી તો સમજ્યો કે હૂબહૂ આ મારા જનમ ને મરણ છે
ઉતારી જો નખશિખ છબી મેં, તો અંદર સમય ઉઘડે ગર્ભદ્વારો બનીને

પછી ભ્રમ હવે ભ્રમ વળી ભ્રમ અને ભ્રમ જુઓ ભ્રમથી ભ્રમની પ્રલંબાતી ભ્રમણા
સતત સંશયો અમને સામા મળે કાં હવા આંખ વાદળ વિચારો બનીને

અનાસક્ત આંખે મેં જોયું તો જાણ્યું અહીં માત્ર મારું પ્રતિબિંબ જીવ્યું
ચલો ! ઠીક છે, દર્પણો જેવું તથ્ય મને સાંપડ્યું છે સહારો બનીને


પીડાનો ઢળતો મિનારો = ઢળે છે પરંતુ પડતો નથી તેવા પિઝાનાં મિનારા જેવું.0 comments


Leave comment