26 - પ્રલય / જયેન્દ્ર શેખડીવાળા


ફરી વિશ્વ બારીક પડળ થઇ ગયું છે
અને દૃશ્ય સઘળું અકળ થઇ ગયું છે

મળ્યો ખૂબ ઊંડેથી નહિવત્ ખુલાસો
અહીં યુગનું હોવું પળ થઇ ગયું છે

ભલે છીછરી હોય ક્ષણની સપાટી
વલણ ઝંખનાનું અતળ થઇ ગયું છે

ગણાયો છું નાયક હું વિભ્રમકથાનો
અને તારું હોવું સફળ થઇ ગયું છે

પ્રવેશી જવું તેજની સરહદોમાં
હવે શ્વાસ વિના સરળ થઇ ગયું છે



0 comments


Leave comment