30 - પ્રેમઘેલીનું પડછાયાગીત / જયેન્દ્ર શેખડીવાળા


પંછાયા પૂજવાના કોડ આજ જાગ્યા
અમે ઝીણા ઉજાગરા રે માંગ્યા

ઉંબર પર વાગેલી ઠેસ હજુ સંતાડું આંખોમાં ગલગલિયાં વાવી હો રાજ !
કાચી રે નિંદરમાં આંખણમાં ઊગેલું ચોમાસું ચૂંટીને લાવી હો રાજ !
ડુંગર પર ચીતરેલા મોર મારી આરપાસ ઓચિંતા ઝૂલવા રે લાગ્યા
અમે ઝીણા ઉજાગરા રે માંગ્યા

મારી ચોપાસ સખી, ભીંતો ગૂંથીને આજ આંખોનાં અજવાળાં વહેતાં મેલ્યાં
કાળાં કમળ ઊગ્યાં આસપાસ એવાં રે ડુંગરિયે એક જોડ ઝાકળ રેલ્યાં
મારી મા આજકાલ ધારી ધારીને જુએ ભણકારા એવા રે વાગ્યા
અમે ઝીણા ઉજાગરા રે માંગ્યા


0 comments


Leave comment