39 - થૈ પુષ્પ એના કેશને શણગારતો રહ્યો / આદિલ મન્સૂરી


થૈ પુષ્પ એના કેશને શણગારતો રહ્યો,
ચૂંટાઈને ય એના શિરે ભાર તો રહ્યો.

એ એમના વિચારને સંકોચતા રહ્યા,
હું મારી કામનાઓને વિસ્તારતો રહ્યો.

મારા સિવાય કોણ છે મારા શરીરમાં?
ડગલે ને પગલે જે મને પડકારતો રહ્યો.

શબ્દોનાં ટાંકણાઓ લઈ આજદિન સુધી,
કાગળનાં સ્વપ્નશિલ્પ હું કંડારતો રહ્યો.

મારા જીવનના દિવસો સૌ ઝેર થઈ ગયાં,
યાદોનો સર્પ દિલ મહીં ફૂત્કારતો રહ્યો.

ઘરમાં કશું હતું નહીં ‘આદિલ’ દુઃખો સિવાય,
તો પણ નવા અતિથિને સત્કારતો રહ્યો.


0 comments


Leave comment