32 - ફૂલ ચૂંટે બાગબાન... / જયેન્દ્ર શેખડીવાળા
ફૂલ ચૂંટે, ફૂલ ચૂંટે, ફૂલ ચૂંટે,
બાગબાન, કાચા ઉજાગરાનાં ફૂલ ચૂંટે રે
ફળિયામાં પથરાતી અંધારી રાત વતી ઓરડિયે ચાદર પર સૂરજની આસપાસ
ચીતરેલું ઝાડઝાડ સજીવન થાય
મધ્ધમ્ પથારીની કોરમોર ફેલાતા નૈનાના અડબડિયા આજ સખી
ટહુકા કરે તો ઘેન પંખી થઇ જાય
ઘેન ઘૂંટે, ઘેન ઘૂંટે, ઘેન ઘૂંટે,
ભાનસાન, આછી બળતરાનાં ઘેન ઘૂંટે રે
ફૂલ ચૂંટે, ફૂલ ચૂંટે, ફૂલ ચૂંટે,
બાગબાન, કાચા ઉજાગરાનાં ફૂલ ચૂંટે રે
કાજળની રેખાનું ચાંદરણું છાતીમાં વાવ્યું રે એમ જેમ વાવ્યા’તા બોલ કદી
વાયરની ટગરબંધ આંખમાં
ભણકારે ભણકારે જળકુંડુ ઊગ્યું ને મ્હોર્યું ને પડછાયા ઓળઘોળ ધબક્યા રે
આજ મારી ઝૂરવંતી પાંખના
ચૈન લૂંટે, ચૈન લૂંટે, ચૈન લૂંટે,
કાગવાન, મારા ચબૂતરાનાં ચૈન લૂંટે રે
ફૂલ ચૂંટે, ફૂલ ચૂંટે, ફૂલ ચૂંટે,
બાગબાન, કાચા ઉજાગરાનાં ફૂલ ચૂંટે રે
0 comments
Leave comment