33 - આણાની તાલાવેલીનું ગીત / જયેન્દ્ર શેખડીવાળા
અમીં પ્હેલેરી મીટની ફાળ, મોરી સૈયરું
ક અમીં જોબનની મધમીઠીગાળ, મોરી સૈયરું
અમીં સોળ સોળ શમણાં ને તાક્યાં, મોરી સૈયરું
ક અમીં પંછાયા પૂંજીને થાક્યાં, મોરી સૈયરું
અમીં ફાગણ ઢબૂકિયા ઢોલ, મોરી સૈયરું
ક અમીં છેડે ગાંઠેલ બે’ક બોલ મોરી સૈયરું
અમીં આંખ્યુંમાં આંજેલી રાત, મોરી સૈયરું
ક અમીં ધબકારે ગૂંથેલી વાત, મોરી સૈયરું
અમીં કેસરિયાં હારતોરે ઝૂલ્યાં, મોરી સૈયરું
ક અમીં ચીઠ્ઠી ચબરખીએ ડૂલ્યા, મોરી સૈયરું
અમીં એનઘેન વીંઝણા ઢોળ્યાં, મોરી સૈયરું
ક અમીં ગુલાલે અંગઅંગ બોળ્યાં, મોરી સૈયરું
અમીં મોઘમ અખાત્રીનું તેડું, મોરી સૈયરું
ક અમીં ફાટેલા પ્હોરની વેળુ, મોરી સૈયરું
0 comments
Leave comment