34 - લગ્નિલ કન્યાનું ગીત / જયેન્દ્ર શેખડીવાળા


ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇ ચાલ્યા રે ભૂવા પરદેશના
અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજવી !

ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી !
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇને ચાલ્યા રે ભૂવા પરદેશના

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી !
ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી !
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇને ચાલ્યા રે ભૂવા પરદેશના0 comments


Leave comment