36 - વસવાથી... / જયેન્દ્ર શેખડીવાળા
આંખ્યુંની આરપાર પથ્થર ઊડે રે લોલ
વસવાથી કાચના ગોકુળમાં
શોધું વિચાર ત્હાર જળ શા મળતાવડા
ને પહોંચું છું લાગણીની ધૂળમાં
સાંજ પડે આથમશે વાંસળીનાં સૂર અને કાન હશે રવના બંધાણી
કુંડળમાં ઝુલશે રે તારો અભાવ થઇ ભાંભરતી ગાયોની વાણી
વાણીના પડઘામાં મારી જૂદાઇ, તારી મોરપીંછ ડૂસકાંનાં મૂળમાં
વસવાથી કાચના ગોકુળમાં
દરિયાની અધવચ તું ડૂબે તો કાંઠેથી શબ્દોનો હાથ કરું લાંબો
હાથમાંથી લઇ લેજે ભવના તરાપા શો રોપેલો સહિયારો આંબો
કાગળના દેશમાંથી નીકળીને પહોંચીશું રાધા ને કાનજીનાં કૂળમાં
વસવાથી કાચના ગોકુલમાં
0 comments
Leave comment