37 - રાધાવત્ / જયેન્દ્ર શેખડીવાળા


જમુનાપૂર્વક વહેતાં જળને રાધાવત્ નિહાળું, લ્યો !
ગ્હેંક મ્હેંક કૈં માધવવરણું સ્પર્શ્યું રે સુંવાળું, લ્યો !

અષાઢ પણે વહેતું વાદળ થૈ દેશવટે નીકળ્યો છે શ્યામ
ડૂસ્કે ડૂસ્કે મોરપીંછાવશ રોઇ પડ્યું ગોકળિયું ગામ

કદંબમય આંખો મીંચી દઉં, નજરું પાછી વાળું, લ્યો !
જમનાપૂર્વક વહેતાં જળને રાધાવત્ નિહાળું, લ્યો !

વૃંદાવન - સોતું જીવ્યાની વેળા ટહૂકો થઇને ખરશે
લોહી વચ્ચોવચ્ચ એક બંસરી- સૂર ઝીણાં છબછબિયાં કરશે

મધુવન વચ્ચે ગીતનું પગલું ફરફરતું રૂપાળું, લ્યો !
જમુનાપૂર્વક વહેતાં જળને રાધાવત્ નિહાળું, લ્યો !



0 comments


Leave comment