39 - અત્તરના પડછાયા / જયેન્દ્ર શેખડીવાળા


ફૂલવછોયું વાગ્યું અમને ટાણું રે
કોઇ છાંટો અમને અત્તરના પડછાયા
નજરું નમણા ફાયાનું ફટાણું રે
કોઇ છાંટો અમને અત્તરના પડછાયા

ખીણ ઉલેચી, ઠીબ ઠાલવી પારેવાનું શમણું ભરચક વાદળનું અંધારું સૂંઘે
શેડકઢો કોઇ વટેમારગુ ગોરજના પૂમડાની વચ્ચે અચરજના અજવાળે ઊંઘે

પગલું ભીની માટીનું મૂંઝાણું રે
કોઇ છાંટો અમને અત્તરના પડછાયા

ગાજરાનો ઉલ્લેખ છાટકું મહોણું મારે, સુગંધ અમારી નસનસ છૂટે
મેલોઘેલો પવન પછી પગરવને પ્હેરી તરત તમારે દેશ વછૂટે

ચકલું ઝીણી ધીરજનું વીંધાણું રે
કોઇ છાંટો અમને અત્તરના પડછાયા

ફૂલવછોયું વાગ્યું અમને ટાણું રે
કોઇ છાંટો અમને અત્તરના પડછાયા0 comments


Leave comment