1 - મુક્તક – ૬ – ૧૦/ આદિલ મન્સૂરીએ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશને ગૂંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું લયને કોઇ આકાર નથી ?
આ અંગ મરોડે અને વળ ખાય ગઝલ


******


સૂરજના બલિદાનની વેદી તો જુઓ,
આ રાતની દિવાલને ભેદી તો જુઓ,
અંધારની વાતો પછી કરજો; પહેલાં
બીમારના ચહેરાની સફેદી તો જુઓ.


******


આવ્યું'તું કોઈ સ્નેહની જાગીર લઈ,
ને હાથમાં સૌંદર્યનું તકદીર લઈ,
હું વાત કરું ત્યાં કોઈ ચાલ્યું યે ગયું;
શોધું છું હવે આંખમાં તસ્વીર લઈ.


******


અવકાશનાં પોલાણમાં જોયા કરવું,
દિન હો કે પછી રાત હો રોયા કરવું,
સદ્દભાગ્ય ગણો એને તમારું 'આદિલ'
મળતું નથી હરકોઈને ખોયા કરવું.


******


અવકાશની દિવાલને ઢાળી નાખું,
અંધારના પરદાઓને બાળી નાખું,
આ દંભના પર્વતની બુલંદી 'આદિલ'
ચાહું તો ઘડીભરમાં હું ગાળી નાખું.0 comments


Leave comment