43 - સાસર – મહિયર વચ્ચેનો વગડો વટાવતા એક સાંધ્યક્ષણે / જયેન્દ્ર શેખડીવાળા
પાદર ઊભા વડદાદાના પાંદે પાંદે ભાંભરતી ગાયોમાં સૈયર ઘરઘર રમતી તાલી
દઈને ભળી જતી રે બાળપણાંની વાતે મહિયર ફરફરતું લૈ પડઘાતા અવાજ
ગોરજનું પીળચઘટ્ટુ ધુમ્મસ ગેરુરંગી સમી સાંજરે અડખે પડખે વેરાયેલાં પગલાંની
સાંભર શા ઝાંખા તડકા કેરા કરેણફૂલની ટગરકુમાશે ટપટપ ટપકે આજ.
પેણે પેલા તળાવ કેરા ઓવારાની પગથી પરથી સ્હેજ મૂકીને પોચણઆંખી પાન
ગૂંથેલી સોબતિયાની છાતીમાંથી એનઘેનનો ખોબોવાળી પીધો’તો હૂલ્લાશ
આદિશતેદિશ લહેરાતી આ લીલોતરીને આંખ ભરીને અડકી જાતાં ડૂબકા દઈને
ઘાસલ દરિયે ભાળ્યું ’તું મે પ્હેલવ્હેલકુ કુંવારા શમણાની પાંખે લીલ્લપનું આકાશ.
નિંદરવરણી સાંજ ઢળે ને આંખોમાં વલવલતો વગડો નીત્તે શોધે એકલદોકલ
પતંગિયાની પાંખે બેસી દૂર દેશાવર જઈને મારું ભાન ભૂલીને વરસ્યા કરતું રાજ
પાદર ઊભા વડદાદાના પાંદે પાંદે ભાંભરતી ગાયોમાં સૈયર ઘરઘર રમતી તાલી
દઈને ભળી જતી રે બાળપણાંની વાતે મહિયર ફરફરતું લૈ પડઘાતા અવાજ
સીમાડાની ઓસરિયુંમાં સોળફૂટીની પરવશ બાજી રજરજ હોઈએ હાર્યા જેવું સંચરે
આંખે પરભાર્યા ભેરુની સાથે રાતડિયા ટહુકાર થઈને વગડામાં વેરાયા જેવું,
નદી કિનારો બાથે ભરતા તેજલ છાયા સુક્કા વગડે ઊગતાં ચંદર ઢળતા સૂરજ કેરી
શાખે કૉલ તૂટ્યાનું વેણ ભટકતું મૂંગામંતર વેલઝાંખરે મ્હોલાતોને ખોયા જેવું,
ટેકરીઓના ઢોલાવે સૌ ટોળે વળતા મધમધ થાતા અવસરુંનો સાદ પડે ત્યાં રૈ રૈને
ઊભરાતી શાને મલીરિયા વરસાદ સમી આ છાતી છુંદણે આથમતી રે સાંજ,
ગોરજનું પીળચઘટ્ટુ ધુમ્મસ ગેરુરંગી સમી સાંજ રે અડખે પડખે વેરાયેલાં પગલાંની
સાંભર શા ઝાંખા તડકા કેરા કરેણફૂલની ટગરકુમાશે ટપટપ ટપકે આજ.
પાદર ઊભા વડદાદાના પાંદે પાંદે ભાંભરતી ગાયોમાં સૈયર ઘરઘર રમતી તાલી
દઈને ભળી જતી રે બાળપણાંની વાતે મહિયર ફરફરતું લૈ પડઘાતા અવાજ
ગોરજનું પીળચઘટ્ટુ ધુમ્મસ ગેરુરંગી સમી સાંજ રે અડખે પડખે વેરાયેલાં પગલાંની
સાંભર શા ઝાંખા તડકા કેરા કરેણફૂલની ટગરકુમાશે ટપટપ ટપકે આજ.
0 comments
Leave comment