46 - ‘કવિતા જેમ આછરે કવિતા જેમ પાંગરે’ / જયેન્દ્ર શેખડીવાળા

અવાજનું અંધારું ચારેકોર સૂસવતું નદી ઘેનમાં સૂતી છે રે શાન્ત
દર્પણમાંથી સ્થિર પવનનો પડઘો ઊગે ભુર્જપત્રમાં એવો હું લયનાન્ત

મોંસૂઝણે લોપાય ચન્દ્રમા કલરવના ઝાંખા પડદામાં
કોઇ કવિતા જેમ આછરે
નદીકિનારે કોઇ ઝૂંપડી ટમટમ દીવે જીવે ઝાંખું
કોઇ કવિતા જેમ આછરે
વાંભ નાંગરે ગાયોની જ્યાં એવા કોઇ ગોપઘરાણે પાંગરતો નિશાન્ત
અવાજનું અંધારું ચારેકોર સૂસવતું નદી ઘેનમાં સૂતી છે રે શાન્ત

પૂરવ દિશામાં ઝળહળતો પડછાયા ઊગ્યો કંકુ શી મૂર્છામયતાનો
કોઇ કવિતા જેમ પાંગરે
અબિલગુલાલી પંખી બૂડ્યાં નભપાતાળે પડઘો થઇ ધુમ્મસમયતાનો
કોઇ કવિતા જેમ પાંગરે
કંપનવંતા સુરજમુખીમાં થરકી વાણી, થરક્યો રોમેશ પ્રાન્ત
દર્પણમાંથી સ્થિર પવનનો પડઘો ઊગે ભુર્જપત્રમાં એવો હું લયનાન્ત

ગોપઘરાણું = વગડામાની ખુલ્લી જગ્યામાનો ભરવાડનો નેસડો0 comments

Leave comment