47 - કાવ્યપ્રસવ ક્ષણનો આલેખ / જયેન્દ્ર શેખડીવાળા


તડિંગતમ્મર પરપોટાનું ફૂટવું નગુરા માણસ જેવું બોલે
તિર્યકતૂરું જળકુંડુ કે પીડા ગીતનું દ્વાર અતીરું ખોલે

અલ્લેલટપું અજવાળું રઝળે પંક્તિમાં
પ્હોર આઠમો આથમવાને ટાણે;
ઉજાગરાને હાલરડું સંભળાવે કૂકડો-
શબ્દોનું કોઈ ઝાંઝર ઝણકે જાણે

મન ઓળંગતું ઝાંઝર વાટે દ્વિજચંદ્રની તોલે
તડિંગતમ્મર પરપોટાનું ફૂટવું નગુરા માણસ જેવું બોલે

હલ્લેસાતી રાત પાછલી પરભવ જેવા
દરિયાને આલિંગે ડૂસ્કેડાટ કંઠમાં બાંધી
દરિયાને કોઈ છોડાવે તો વાણીના કૈં
ધોધ વછૂટે નહીં તો લે આ ગીતસમાધિ

મૂર્છામય આકાશને ઓઢી લય નાભિ આંદોલે
તિર્યકતૂરું જળકુંડુ કે પીડા ગીતનું દ્વાર અતીરું ખોલે


ડૂસ્કેડાટ = મુશ્કેરાટ + ડૂસ્કુંની સહોપસ્થિતિથી અનુભવાતો ભાવ0 comments


Leave comment