48 - પ્રગટવું ટીપું છે / જયેન્દ્ર શેખડીવાળા


(સિસૃક્ષાના અતિવેગી સ્ફુલ્લિંગો)

જીરણ અક્ષરજી રે પારાવાર, પ્રગટવું ટીપું છે
મન મૂશળ ને શબ્દોની છે ધાર, પ્રગટવું ટીપું છે

વરાળની વૈતરણી વચ્ચે ઓગળવાનું સુખ પીડાનું કારણ, હેય
તળ પીડાનું ઓળંગીને ઈચ્છા ધરતી બિચ્છા-નું બંધારણ, હેય
વૃત્તિથી પર વેદે અધ્યાહાર, પ્રગટવું ટીપું છે
રહી રાઈના દાણે અપરંપાર, પ્રગટવું ટીપું છે
પળમાં પ્રગટે શબ્દ નવેઅવતાર, પ્રગટવું ટીપું છે
જીરણ અક્ષરજી રે પારાવાર,પ્રગટવું ટીપું છે

મન-મૂર્તિનો યોગ તે મર્મી પક્ષીનું સંધાન અરવરવ કલરવ, હેય
કાગળની યોનિમાં સંચિત ભ્રુણોદયનો વર્ણ અમારો પગરવ, હેય
જિહ્વા જાણે પગલાંનો અવતાર, પ્રગટવું ટીપું છે
મૂર્છા, મર્મર,પવનની પેલેપાર, પ્રગટવું ટીપું છે
ગીત કહે લઇ ભવભવનો આકાર, પ્રગટવું ટીપું છે
જીરણ અક્ષરાજી રે પારાવાર, પ્રગટવું ટીપું છે.


મન મૂશળ ને શબ્દોની છે ધાર = ‘મુશળધાર’ શબ્દ તોડીને ‘મૂશળ’ જેવા મન અને ‘ધારા’ જેવા શબ્દોના સાહચર્યથી થતી અનુભૂતિ,
વરાળની વૈતરણી = પીડામય સુખ આપીને ભાવસાગર તારતી સર્જનક્ષણો,
બિચ્છા-નું બંધારણ = ઈચ્છાનું ઓગળી જઈને બિચ્છામાં રૂપાંતરિત થઇ જવું તે-સકર્મકનું અકર્મકમાં રૂપાંતરિત થવું તે -,
રહી રાઈના દાણે = મૃત્યુ સાથે રહીને (ભગવાન બુદ્ધ અને મૃત બાળકની માતાની કથાનો સંદર્ભ)
મન મૂર્તિનો યોગ = મન અને લક્ષનું જોડાણ – સમાધિ-,

ભ્રણોદય = જેમ કે સૂર્યોદય


0 comments


Leave comment