49 - કવિ યા દરિયાવત્ / જયેન્દ્ર શેખડીવાળા


હાથ વીંઝવા જેવું બોલે કોણ હવાની જીભ ઉપરથી
કોઈ હલેસું દરિયાવત્ જ્યાં ડૂબવા નીકળે છે ભીતરથી

બાર ગામનાં આંસુ નીચવી કાગળનાં આ રણની વચ્ચે
તળાવ જેવું ગામ વસાવું
કમળ નામની કોઈ તરસને કાંઠે ઊતરે કલમ કદી તો
કલરવસજ્જા ગીત વહાવું
પંખીનો હોલ્લોરો ઊડે જાણે કોઈ ઠીબ ઉપરથી
કોઈ હલેસું દરિયાવત્ જ્યાં ડૂબવા નીકળે છે ભીતરથી

ભૂરાશ પડતી એકલતાને તારે તારે ભર્યાભાદર્યાં
નભમાં ટહુકો કોણ કરે આ?
દૂર દૂરથી દૂરદૂર લગ દૂરદૂર રે દૂરદૂર ખગ
મારા જેવું કોણ ફરે આ?
વહે વહે લખજોજન પાણી ક્ષણમાં જાણે છીપ ઉપરથી
કોઈ હલેસું દરિયાવત્ જ્યાં ડૂબવા નીકળે છે ભીતરથી0 comments


Leave comment