50 - સર્જકેર પ્રણયાખ્યાન / જયેન્દ્ર શેખડીવાળા


હાથ હડેડાટ હડી કાઢતા હમ્બો હમ્બો કરતા જી
ઝિમ્બોની બેટીને લઈને જંગલ વચ્ચે ફરતા જી

ઝિમ્બોની બેટી તે વનની શકુંતલાગત વેલી જી
હાથ ભયો દુષ્યંતલ મૃગયા, જંગલ વિદ્યા મેલી જી

ઝિમ્બોની બેટીના જૂજવાં રૂપ હાથમાં આવે જી
કલમ, ચબરખી, નદી-સદીનો ઢાળ બને ઢોળાવે જી

પથ્થર-ફૂલો-રંગ-તરંગો-આભ અને અવકાશા જી
ઝિમ્બોતનયા રૂપ, વખાણું રૂપોત્તમના શાંશા જી

ઝિમ્બોસૂતા સરસર વ્હેતી રચવાતી કૈં મંગલ જી
મંગલ ભાળી ઝાળઝાળ થઇ ભડભડ બળતા જંગલ જી

જંગલમાં જે ઝાડ હતાં તે વનસ્પતિ નહિ રાક્ષસ જી
રાક્ષસ કહેતાં તરત સાંભરે નગર વસતા માણસ જી

માણસનો મતલબ છે ટોળું, ચીસ અને દેકારો જી
માણસ એવો પ્રાન્ત વસે જ્યાં ભૂત-ભૂવા ભેંકારો જી

માણસનું મન ખાઉં ખાઉં ને ગંજી પરનો કૂતરો જી
પછી બાજ થૈ ત્રાટકતું રે દત્તક લૈ ચબૂતરો જી

માણસને ક્યાં ઓળખતાં રે હાથ કે ઝિમ્બોતનયા જી
પંખી જીવતાં બેઉ, બાંધીને માળો સુંદિરવનયા જી

દાવાનળ ફેલાયો તેથી જંગલના રસકસમાં જી
ઝિમ્બોસૂતા અને હાથ પર ઊતર્યા સંકટ વસમાં જી

એક રાતને માથે ઘટનાઘોર ત્રાટકી વીજરી જી
જંગલ સળગ્યું, હાથ ધુમાડો, ઝિમ્બોતનયા બદરી જી

ઝિમ્બોતનયા થરથર સૂસવે, વદે કેટલું વેઠું જી
ખરી પડ્યું રે લખલખ ભવથી ઊડતું પંખી હેઠું જી

ખબર દિજ્યો કોઈ મોરે પિકો મરમર દિન બિતાઉં જી
કહાઁ ગયે તુમ કહાઁ ગયે મૈ અંસવન નીર બહાઉં જી

થથરાવે, કંપાવે, ઝીંકે માંથા કોરે કાગળ જી
કાલિદાસે મેઘ મોકલ્યા તેય સુકાતે વાદળ જી

તે દિ’થી ઝિમ્બોની બેટી ઘાતાઘાતી આંસુ જી
હું કાલિદાસ; હાથ; ધુમાડો; જંગલ કે બગાસું જી

દડી ગયો છું ક્યાંક પરીને દેશ ધ્રુજાવી વેશે જી
કાગળ પર ઝિમ્બોની બેટી મૃતકવિતા વેશે જી


હાથ= સર્જકતા,
ઝિમ્બોની બેટી = વનમાં કુદરતી ઉછેર પામેલું – અહીં મનોવનમાં કુદરતી ઉછેર પામતી કવિતા -,
શકુન્તલાગત = શકુન્તલાનાં કુળનું,
દુષ્યંતલ = (જેમકે શાકુન્તલ) દુષ્યંતનું



0 comments


Leave comment