57 - કર્દમપલ્લી / જયેન્દ્ર શેખડીવાળા


(કાદવથી રામકૃપા સુધીની જીવયાત્રા)

કર્દમપલ્લી મધ્યે અલબત્ત જીવવું હૂંસાતૂસ, રામ જી
પંકજ નામોનામ સપનવત્ આંખો ભૂંસાભૂસ, રામ જી

કાળાં ડઠ્ઠર પગલે ચળકે અકળ અકળતી ભ્રુણનલિકા પૂર્વજની
રગરગ દોડે મૃગમાયાવી ભ્રમભ્રમાતિત પાછળ આંખો સાવજની

ત્રાડે ત્રાડે ત્રમ ત્રમ તમરાં, ભીતર ચીસાચીસ, રામ જી
કર્દમપલ્લી મધ્યે અલબત્ત જીવવું હૂંસાતૂસ, રામ જી

તરણું, પર્વત, આંખ પ્રમાણે ભ્રમોદરાને કાંઠે વસમું વસવું
મરમસદનાં નવસો ચૌટાં પગની આંટી છોડ્યે ખસવું તસવું

ખસણક્રિયામાં ખિસકોલીવન પીઠે આંગળભીસ, રામ જી
પંકજ નામોનામ સપનવત્ આંખો ભૂંસાભૂસ, રામ જી


કર્દમપલ્લી = કાદવનું ગામ,
ભ્રમભ્રમાતિત = બધા જ ભ્રમોથી પર થયેલું,
સાવજ = દ્રષ્ટા,
અકળઅકળતી = ન સમજી, ન કળી શકાય તેવું,
મરમસદ = મર્મનું ગામ0 comments


Leave comment