58 - અશોકમનને ઘાટ કવિજીવજી / જયેન્દ્ર શેખડીવાળા


(કલિંગ/નાક/ભીતર/અનંત/ઓગળવું/ગીત)

કલિંગ જેવી રાત પડી છે મનઊષર પથરાટ, જીવ જી
પાછોતર વરસાદ ને આગોતર ભૂમિમાં ફાટ, જીવ જી

ઝબકારાને ઝાંખું ત્યાં રે
પડદો ઝાંખા અબરખનો
લગભગ મારા જેવા રૂપારૂપ
ધરીને, પડદામયતા કોઈ ઉલેચો
ભૂરા નભની પારથી આવે પૂર નાદનું
મૌન સૂસવતું
બેજીવાં જે કરી ગયાની ભ્રમણા જગવે
તારા રૂપારૂપ ધરીને, ભ્રમણામયતા કોઈ ઉલેચો
વૃ
ક્ષ
બીજને લોપો રે કોઈ અશોકમનને ઘાટ, જીવ જી
કલિંગ જેવી રાત પડી છે મનઊષર પથરાટ, જીવ જી
ભેદી નસનસ નવસૌ ચૌટા
ભૂકંપની ક્ષણ સોંસરવો રે મને ઉલેચે
જેમ ઉલેચે સૂરજને આ ધરા
ઉલેચે એમ મને આ કર્દમપલ્લી દેહ
અરે, આ
ચૌટામયતા કોઈ ઉલેચો

રક્ત રૂપાંતર પામે જળમાં
જળનું વહેવું સૌ ભૂતળમાં
ભૂતળમાં શ્રીજીવત્ સોપો
નક્ષત્રોથી નાક સુધી છે અરવશબ્દની મૂંગી તોપો
સોપામયતા કોઈ ઉલેચો

સોપા-રવના યુદ્ધને તરસે આજ કવિયણઘાટ, જીવ જી
કલિંગ જેવી રાત પડી છે મનઊષર પથરાટ, જીવ જી0 comments


Leave comment