60 - જીવતલ મૂંઝારાનું ગીત / જયેન્દ્ર શેખડીવાળા


અમે રે મૂંઝારે મરતી વાવડી
વીંધે અંધારા તળને ઉજાસ.

પગથી પગલાં અણબોટ ઝૂરતાં
ઝૂરતી જળમાં ડૂબેલ જળની કાંકરી
જીવને ભીંસારો ભીના ભેજનો
અધવચ સુકાતી જતી રવડે ઝાંખરી
તરસેતરસે ઝૂરણ પવનપાવડી
પડતર પડ્યા રે ચાંદરણાંનાં શ્વાસ

અમને ખોબે ઉલેચો કોઈ રાજવી !
તરસ્યા વણઝારા ઊભા અંતરિયાળ
જગજૂનાં અંધારાં કૂખમાં ઉછેર્યા
અમે અવાવર ઉછેરી પગથાળ
દિયો, ઝળહળતા ઝરણાની છાંયડી
દિયો, અમથું વ્હેવાનો સહેવાસ.



0 comments


Leave comment