62 - ઘરને સાંકળ મારો / જયેન્દ્ર શેખડીવાળા


કવિરાજ છો તમે નિહત્થા, પીડાનું લશ્કર આવે છે
ઘરને સાંકળ મારો
નિંદરની બારી ખુલ્લી છે, સપનાનું લશ્કર આવે છે
ઘરને સાંકળ મારો

શિયાવિયા જીવતરનો કાગળ કોઈ અજાણી
ધૂળને મારગ પાન સરિખો ઊડે
અટકળ, આરણકારણ સાબિત, પગલાનું લશ્કર આવે છે
ઘરને સાંકળ મારો

રાત ઢળે ને પતંગિયા શી આંખો શોધે દીવાનું
અજવાળું ઝાંખું ઝાંખું
ઓશિકે ભીંજાતા ઘરમાં દ્રશ્યોનું લશ્કર આવે છે
ઘરને સાંકળ મારો

પથ્થરમાંથી પાણી ઝરતું જોઈ ગયાની ઘટના છે
કરપીણ લોહીમાં થરકી
સુક્કાતા ઝરણાની ઓથે, આંસુનું લશ્કર આવે છે
ઘરને સાંકળ મારો

ઘટાટોપ પૂનમને પ્હેરી અગાસીઓના એકલ નભમાં
વાદળના પડછાયા સૂસવે
કોઈ સૂસવતી ક્ષણ આવે છે, એકજણ- લશ્કર આવે છે
ઘરને સાંકળ મારો



0 comments


Leave comment