64 - ઘરમાં પતંગિયાનો એવો વાસ છે – / જયેન્દ્ર શેખડીવાળા


નિંદરથી જાગતી કાચી કળીને કહો –
ઘરમાં પતંગિયાનો એવો વાસ છે
સાવરણી ઘેનમાં ફરતી સળીને કહો –
ઘરમાં પતંગિયાનો વાસ છે

બારી ઉઘાડો તો એમજેમ
પાંપણને હળવેકથી ખોલો સવારમાં
કીકીની આસપાસ ટોળે વળીને કહો –
ઘરમાં પતંગિયાનો વાસ છે

સપનામાં ટહુકાતાં વાદળ ઊડે રે
ઊડે કાનાંખે કલરવગુલાલ, સૈં !
નજરુંના મોરપિચ્છ ટહૂકે ઢળીને કહો –
ઘરમાં પતંગિયાનો વાસ છે

ઘરની હવાને લાગે પગરવની છાલક
તો લાગણીથી ભીની પંપાળતા
ઓળઘોળ મૌનેરી ભીંતે ભળીને કહો –
ઘરમાં પતંગિયાનો વાસ છે

આંગણમાં લુંબઝુંબ પથરાતાં કિરણને
રોમરોમ પાથરી અવાજમાં
જીવણજી ! કલબલતાં ફળિયાં ફળીને કહો –
ઘરમાં પતંગિયાનો વાસ છે



0 comments


Leave comment