65 - ચિબાવલી છોડીને / જયેન્દ્ર શેખડીવાળા
મને મૂછનો દોરો ફૂટે
દર્પણને પણ આંખો ફૂટે,
ચિબાવલી છોડીને એનાં સોળ વરસ ઢંઢોળે
દોમદોમ લેલૂરપણાની લહર ઉપર કૈં લહર વછૂટે,
ચિબાવલી છોડીને એના સોળ વરસ ઢંઢોળે
ક્યાંક ધોધને ઝરણ અડ્યું ને ધોધ ભયો પછડાટ,
ફીણના દરિયા દરિયા ઉછળ્યા;
પાળ કોઈ ઉંબરની તૂટે,
ફાળ ભર્યાફરિયાની તૂટે,
ચિબાવલી છોડીને એનાં સોળ વરસ ઢંઢોળે
સાંજ અને વરસાદની હેલી, નભમાં વિહવળ
વાદળનાં અંધારાં ઘૂઘવે વેરણછેરણ ;
ધરતીની રે ધરપત ખૂટે,
ગયા જનમની સંપત ખૂટે,
ચિબાવલી છોડીને એનાં સોળ વરસ ઢંઢોળે
પંખીનું ટોળું થઈથઈને દશેદિશાથી કાગળ આવે,
વાંચવાંચ કુંવારી ભાષા, ઊંઘરેટા મન !
પવન પાતળી મર્મર લૂંટે,
કલરવ ભીનાં ગીતો લૂંટે,
ચિબાવલી છોડીને એના સોળ વરસ ઢંઢોળે
ઘાસ ઉપર પથરાતું મારું આકળવિકળ રેલાવું રેલાવું
અમથું રેલાવું, બસ રેલાવું રે
મારામાંથી રેલા છુટે,
અગરવપગરવ ઘેલા છૂટે,
ચિબાવલી છોડીને એનાં સોળ વરસ ઢંઢોળે
0 comments
Leave comment