67 - નાગરનું વતનસ્મરણ / જયેન્દ્ર શેખડીવાળા


(સોનેટ ગીત-ગઝલ)

ગામ શેખડી ક્યાંક વસ્યું ટહુકાના ઘરમાં
ઊગી નીકળ્યું ઝાડ થઈને ક્ષણમાં નાગરમાં

મારગ પરની ધૂળ અડી સપનું થઇ પગને
ચકલી થઈને ઊડી ગયા પગ, જો નિંદરમાં

નિંદર નસનસ ઊગી નીકળી ગામ થઈને
સપનાં ઘરઘર ઝૂલ્યાં ભેરુ થઇ પળભરમાં

ઘર પછવાડે છાણાના પગલાં ફંફોસે
કુંવારા બે હાથ, કશું ભૂલ્યા અવસરમાં

સમડાની છાયામાં ઢળતાં અલકમલક, ને
બોઘરણેથી છાસ ઢળે તપતા ઉદરમાં

બપોરના પડખામાં ઊંઘે ભાગળ સૂની
બાલક મલકે જાણે માના પડખા ફરમાં

ભેરુ. નિંદર. સમડી. સપનું. સૌ ચકલીવત્
ઝાંખાપાંખા ન્હાય હવે સુક્કા અક્ષરમાં



0 comments


Leave comment