32 - ઓ ધરા તારી વિરહ આગમાં બળતો સૂરજ / આદિલ મન્સૂરી


ઓ ધરા તારી વિરહ આગમાં બળતો સૂરજ,
જાણે કંઈ કેટલી સદીઓથી રઝળતો સૂરજ.

મોઢું ધોવા ઘડી રોકાય છે સામે કાંઠે,
રાતની કાળી ગુફામાંથી નીકળતો સૂરજ.

આમ તો સાત સમંદરથી યે ભીંજાય નહીં,
કિંતુ ઝાકળની મધુર બુંદે પલળતો સૂરજ.

બારીનો પરદો હટાવીને જુએ છે કોઈ,
જાણે વાદળની પછીતેથી નીકળતો સૂરજ.

એ ખુદા જાણે ક્યાં દિવસે ઠંડો પડશે?
વિશ્વને બાળતો ને પોતેયે બળતો સૂરજ.

રોજ શોધે છે સિતારાઓ ગગનમાં એ જગા,
રાતના ચોરીથી જ્યાં ચાંદને મળતો સૂરજ.

આખા દિવસની સફર ખેડીને સાંજે ‘આદિલ’,
થાકનો બોજ લઇ ઘર ભણી વળતો સૂરજ.


0 comments


Leave comment