71 - ઠેસ વાગતાં આજ / જયેન્દ્ર શેખડીવાળા


ઠેસ વાગતાં આજ
તને સંભારું રે, મા !
સંભારું, હું સ્હેજ હાલ્યો તહીં
પંચમમાસી પેટ ઉપર ફરતી આંગળિયો તારી –
ઓ મા !

આજ
અમારી રિક્ત સપાટી પર ઠલવાતાં ખડક-ઠેસનાં શકટ સામટાં...
ધૂળમાં ગોઠણભેર પડ્યો છું આજ –
કે મારી માને કહેજો રે
હું ધાવણની ઝંખાને કાંધે વહી જતો વણઝારો
મારો જીવ દાટે મૂંઝારો, ગોઠણ ભેર....

મૂંઝારો તે કેવો
જાણે જીવ નર્યો પરસેવો !
પર્વતનાં તોતિંગ ફાડવા શઢ
મોકલ્યાં કોણે અમને ?
સપનાંના તોતિંગ તોડવા ગઢ
મોકલ્યાં કોણે અમને?
કોણે અમને લગભગતાથી સાંધ્યાં?
અમને અટકળતાથી બાંધ્યા?

ઓશિકા પર રણથી કોણે ચરણ પખાળ્યાં?
કોણે રે આંખોનાં બારેમાસ વરસતાં ચોમાસાંનાં
દીધાં અમને દાન ?
હે કોણ ! જઈને કોને કહું કે
મારી માને કહેજો રે
હું ચાંચ મરેલા પોપટની છું
રજકણ તારી ખેપટની છું
સુક્કો આંબો, સુક્કી આંખો, સુક્કું છે ઝળઝળિયું રે, મા !
સાંજ પડ્યે મારા વિનાનું હું તો તારું ફળિયું રે, મા !
દેશ દેશ ને ગામ ગામમાં શોધું મારું ફળિયું
મારું મૂળ રે મારું તળિયું
ઓ, મા !



0 comments


Leave comment