73 - વણઝારો, પંખી અને કર્બુરપિચ્છનો મુગટધારી / જયેન્દ્ર શેખડીવાળા


પંખીનું આકાશ આંખમાં કેદ, નિન્દરિયા વણઝારા
કે ફફડે પાંખો.....
પંખીનું આકાશ આંખમાં કેદ, નિન્દરિયા વણઝારા
કે ફફડે પાંખો.....
પંખીનું આકાશ આંખમાં કેદ, નિન્દરિયા વણઝારા
કે ફફડે પાંખો.....
અથવા
ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે
પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
દ્વિજપણે હું નીકળું અરોપાર સમયની –
ભ્રુણ વલયની...
અણપ્રીછ લયની પાર તુમ્હારી બાંસુરિયા થઇ જાવું
ગાવું, ગાવું રે
બસ, ગાવું
અથવા
સળગાવું આ જનમકુંડળી
-જનમકુંડળી પળમાં અંતરધ્યાન –
હથેળી પડતર થઈને ફરશે, હો જી
પારદપીંછું દરિયા વચ્ચે તરશે....
દરિયા રે નિન્દરિયા ! દરિયા ! દરિયા, મારા ભ્રાત !
કે દેખું જળમાં મારી ઘાત.
અરે, હું મૂળમાં અગ્નિજાત
મનુ પંખી વચ્ચે મન્વંતરની પાર જે આંકે
પીળી રેખા એક તેજની.
સાવ અજાણી છેક રહે જે હાડચામની હાથરેખથી –
નિમિતવંતા ભાગ્યલેખથી
સાવ અલગ ને જુદી
જુદી રેખા એક.
જુદી રેખા લઈને ચાલે સ્કંધ ઉપર,આ કોણ ?
આ કોણ ફરે છે લોહી વચોવચ
પ્હેરીને કર્બુર્પિચ્છ્નો મુગટ ?
શોધું શોધું
નક્ષત્રોથી નાસિકા લગ લઈને જીરણ શ્વાસ તરાપો
સાંજ પડે આ શ્વાસને મારગ જ્યારે-
ત્યારે
કોણ ભળે છે મારામાંથી નીકળીને
મારામાં પાછુ,
જેમ
પવન ઉચ્છૂવાસ ભળે-
કે પચ્છમમાં આદિત્ય ઢળે-
ના અણસારો, એંધાણ મળે
ના ઓળખ પડતી સ્હેજ
કે ચ્હેરો કોનો છે જે ફરે
અવાંતર રૂપ ધરીને રક્તરૂપે નસ નસમાં મારી;
બાંધીને આકાશ પાંખમાં,
પ્રસરે
ઘટઘટ, પથ્થર, પાણી, પળપળ, રજરજ, સકળભૂતમાં.
સ્થિર ઊભો જે ગાય,
ચિરંજીવ લહર લહર લહરાય.
પીળાં પીળાં સ્ફટિકપુષ્પથી ભર્યો સકળવત્
અનંતપુષ્પમાં ફરે પુષ્પવત્
નાભિ-નાડી, શ્વાસ; બધે ફેલાય...
નિરંતર તેજલિસોટા થાય...
અરે,
હું લગરીક લગરીક અણસારો ઓળંગું ત્યાં તો
કિરણલોપમાં ઝાંખા,ક્ષણના-
કૈંક યુગોની રજરજકણના, જોઉં મને લહરાતો
તેજ તરાતો...
ડૂબ્યાં હાડમાંસનાં વ્હાણ કે જાગો વણઝારા રે
જળ પર તરતા પ્હાણ કે જાગો વણઝારા રે
અંધારાનું નામ નહિ નિશાન કે જાગો વણઝારા રે
ઝળહળ ઝળહળ ફરફર ફરફર વાન કે જાગો વણઝારા રે
પણ
વણઝારાની આંખ ન ઊઘડે
પાંખ ન ફફડે
વણઝારા નિન્દરિયા રે
હો વણઝારા નિન્દરિયા વચ્ચે
તારે
જયન્દર નામનો ટાપુ.
ટાપુ પરના કોઈ અજાણ્યા માટી-ટીલે
અંતહીન અવકાશને ધરબુ
ઝળહળ ફરફર વાનને ધરબુ
અથવા
કહું કે –
પંખીનું આકાશ આંખમાં કેદ
આંખમાં ઊંઘઊંઘ ને ધાંયધાંય અંધારું...
રે
અંધાર વચોવચ
અથવા અથવા
હાડમાંસનાં જંગલ વચ્ચે
કડણ ખચોખચ
ખદબદ ખદબદ જીવવું લઈને ચાલે રે વણઝારો
પંખી જાગે, પાંખો ફફડે સૂતો રે વણઝારો
પૂછે પિંજરનો મૂંઝારો:
કે –
આ કોણ ફરે છે લોહી વચોવચ પ્હેરીને કર્બુરપિચ્છનો મુગટ?


નિન્દરિયા = ઊંઘનો દરિયો0 comments


Leave comment