76 - તિલ્લી - એક / જયેન્દ્ર શેખડીવાળા
તિલ્લી ! તું છે કોણ ? પવન કે પાંચ વન્નની પાછળનો દેખાવ
તિલ્લી ! તારા રુંવે રુંવે અકળ સકળ કે અણુ વિશે જે ઘણું રહ્યું તે ભાવ
છોડ રાઈના ઝૂલે માથે, ઘોર ઝળુંબે કાંધે પળપળ, ત્યાં જ કીડીને પળપળ ઊગતું આભ નીરખવું
ત્યાં તો રે પાતાળે પેસી તિલ્લી બોલે શોધ મને તું અંદર દરમાં, બાઈ કીડીને થાય હરખવું
તિલ્લી ! તારો અણસારો ભેંકાર જાનવર ટોળા વચ્ચે ઊંડેથી પરખાવ
તિલ્લી ! તું છે કોણ? પવન કે પાંચ વન્નની પાછળનો દેખાવ
મર્મીની મૂર્છામાં મુરઘી પ્હેલી, ઈંડું પ્હેલું ફૂલઝૂલને નદીસદીની પાર ઊભેલું નામ છે તારું પ્હેલવહેલું
વ્હેલું ઊઠી ગીત ગાય જે, સકળ નિતર્યા ગીતોથી પર, શબ્દોથી પર, લયની આરોપાર વરેલું
તિલ્લી ! ઝન્ ઝન્ ઝન્ ઝન્ ઝનઝન્ ઝનઝન્ ઝનઝન્ ઝનઝન્ ઝાંવ
તિલ્લી ! તારા રુંવે રુંવે અકળ સકળ કે અણુ વિશે જે ઘણું રહ્યું તે ભાવ.
તિલ્લી = ન ઓળખાયેલું કશુંક અંગભૂત વિરાટ તત્વ.
0 comments
Leave comment