80 - તિલ્લી - પાંચ / જયેન્દ્ર શેખડીવાળા
તિલ્લી ! તું સંભાળાય આંખને અને કાનને ઓછું આવે
તિલ્લી ! તેથી કાન આંખને કુંડળ આંસુના પહેરાવે
સાંજ, વાંસળી, નભનું એકાકાર થવું તે રૂપ તમારું
આંખની સન્મુખ હોવું અધ્યાહાર થવું તે રૂપ તમારું
તિલ્લી ! તરણાં ઓથે રહીને પળપળ મનમાં હાથ હલાવે
તિલ્લી ! તું સંભાળાય આંખને અને કાનને ઓછું આવે
સ્વાદ છે ભૂરો, રંગ છે તૂરો, સ્પર્શે ઝીલું ઝૂર તમારું
હું આખ્ખો હું નહિની તોલે, બોલે બોલે ઝૂર તમારું
તિલ્લી ! રે આ પાંચ ગામની પાર પ્રગટવું તારા રૂપે કોઈ તળાવે
તિલ્લી ! તેથી કાન આંખને કુંડળ આંસુના પહેરાવે
0 comments
Leave comment