81 - તિલ્લી - છ / જયેન્દ્ર શેખડીવાળા
તિલ્લી ! અમને લાગ્યા તારા અજવાળાનાં શાપ રે
આંસુની માળા થઇ કર તું કંઠ કવિતા જાપ રે
ઉખડ બાખડ પગલું થઈને મૂળિયું ભૂમિમાં ચોંટે
એમ શ્વાસ, તમારા પગથાળે થઇ ઊભા રે નથ
કૂવામાં સુક્કાતું રણ છે, પાણી પાણી એક જણ છે
એવી લઈને દંતકથાઓ ભીંજ્યા રે બથ
તિલ્લી ! કૂવો જીવ નિચોવી ભરવો મારા બાપ રે
આંસુની માળા થઇ કર તું કંઠ કવિતા જાપ રે
હું તો અણથડ મીંડું શોધું તમ્માં મારો પ્રાસ
કે જેથી શ્વાસ જીવે આ સંખ્યાવાચક થઇ એકડો
તું મારામાં એમ પ્રવેશે જેમ પ્રવેશે પડછાયાનું
સગપણ તો યે પડછાયો તો રહે વેગળો
તિલ્લી ! ક્યાં છે જીવ-શિવની સંખ્યાનો મેળાપ રે
તિલ્લી ! અમને લાગ્યા તારા અજવાળાનાં શાપ રે
0 comments
Leave comment