82 - તિલ્લી - સાત / જયેન્દ્ર શેખડીવાળા


તિલ્લી ! અન્ધારાં કૈં ડૂબ્યાં કે ડૂબ્યાં જીવવા રે લોલ
તિલ્લી ! પગપગ રૂના ભારા કે પગલાં સીવવા રે લોલ

તિલ્લી ! નવસેં નદિયું ફાટી કે ફાટ્યા સાગરા રે લોલ
તિલ્લી ! ડંકા પ્રલ્લેના વાગ્યા કે તૂટ્યા આગળા રે લોલ

તિલ્લી ! પાણી થઇ પડછાયા જો સરસર સરી ગયા રે લોલ
તિલ્લી ! માયાતરણી મધે, એ પળપળ તરી ગયા રે લોલ

તિલ્લી ! ચહુદિશ વંટોળ પૂગ્યા કે વંટોળ ના રિયા રે લોલ
તિલ્લી ! કામણ કિધાં એવાં કે જીયરા મોહ લિયા રે લોલ

તિલ્લી ! ઝાકળ જેવી આંખો ઊઘડતી આંખમાં રે લોલ
તિલ્લી ! સૂરજની લખ પાંખો ઊઘડતી ઝાંખમાં રે લોલ

તિલ્લી ! ઝાંખો દીવો ચેત્યો કે જાળિયા ઝગઝગ્યાં રે લોલ
તિલ્લી ! ઝાલર ઝીણાં ગીતો ધજા થઇ ફગફગ્યાં રે લોલ



0 comments


Leave comment