33 - શબ્દ જે તુજ હોઠ પર આવ્યા હતા / આદિલ મન્સૂરી


શબ્દ જે તુજ હોઠ પર આવ્યા હતા,
એ તો મારા મૌનના પડઘા હતા.

આંખમાં આંસુ સદા રહેતા હતા,
પણ પ્રસંગો સાચવી લીધા હતા.

એની ખુશ્બૂ પણ મને ડંખી ગઈ,
ફૂલના દિલમાંય શું કાટાં હતા?

આમ જોકે યાદ છે તારી ગલી,
ભૂલવાના પણ ઘણા રસ્તા હતા.

આમ પણ હું તો દુઃખી રહેતો હતો,
પણ પછી તેઓય પસ્તાયા હતા.

આપ શું જાણો કે ક્યાં વીજળી પડી?
આપ તો ઘૂંઘટમાં શરમાયા હતા.

ખુદ મને હું શોધવા ફરતો હતો,
ચોતરફ મારા જ પડછાયા હતા.


0 comments


Leave comment