29 - માર્ગ કોણ તેઓને ઓ ખુદા બતાવે છે? / આદિલ મન્સૂરી


માર્ગ કોણ તેઓને ઓ ખુદા બતાવે છે?
આ બધી વ્યથાઓ જે મારા ઘેર આવે છે.

પ્રેમીઓની દુનિયાના આ નિયમને શું કહેવું !
એ જ કાંઈ પામે છે જે બધું ગુમાવે છે.

ઋણ એવી યાદોનું શી રીતે અદા કરવું,
રોજ દિલમાં આવીને જે ગઝલ લખાવે છે.

કેટલા ઉમળકાથી એ ઉભયને ચૂમે છે,
મારા હોઠ પર જ્યારે તારું નામ આવે છે.

નાખુદાને સમજાવો આટલું ખુદા માટે,
એક ડૂબનારો પણ નાવને બચાવે છે.

એમને કહો ‘આદિલ’ હાલ પૂછે શબનમનો,
જેઓ સૂર્યકિરણોમાં જિંદગી બતાવે છે.


0 comments


Leave comment