55 - તૂટશે ક્યારે કવચ આભાસનું? / આદિલ મન્સૂરી


તૂટશે ક્યારે કવચ આભાસનું?
ક્યાં સુધી આકાશને જોયા કરું?

શેરીના નાકા ઉપર જે ઘર હતું,
કોને હું પૂછું હવે એ ક્યાં ગયું?

હાથ એનો મૂકવો આંખો ઉપર,
હોઠ પર થંભી જવું ત્યાં શ્વાસનું.

મૃગજળોથી બળતું રણ છલકી ઊઠે,
પ્યાસથી સૂકાય સાગરનું ગળું.

લાવ તારા સૂરજોને આમ લાવ,
મારી આંખોનું તિમિર ચરણે ધરું.

કોના અસ્થિ સળવળ્યા પાતાળમાં?
કેમ આ નિસ્તબ્ધ ઘર ધ્રુજી ઉઠયું.

કાચની દીવાલના ચ્હેરા ઉપર,
યાદના પત્થર સતત ફેંક્યા કરું.

રાત પૂરી થાય ‘આદિલ’ તે પ્રથા,
રક્તના આકાશથી ખરવું રહ્યું.


0 comments


Leave comment