1.13 - પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


મોહ્યો હું દૃગથી, દૃગે નમન ના કીધું પછી કોઈને,
ગાંભીર્ય, દૃઢતા, અને સરલતાં તારાં, સખે! જોઈને;
ગર્વોન્મત્ત થયો, ખરી ફરજ કૈં ભૂલ્યો, પડયો ગહ્વરે,
સ્નેહી માનવ! સાથ તું પણ પડયો એવો જ! શું તું કરે?

હાવાં કૈં સ્મૃતિસાગરે લહરમાં આંસુ મિલાવી, અને
હૈયાને નવરાવતો, પણ સખે! ના એ પુરાણું બને :
છે તારું જ તથાપિ : નિર્મલ નહીં, તોયે ખરું : રાખતું
વાત્સલ્ય પ્રતિબિંબ આત્મગહને ર્હેશે હંમેશાં છતું!


0 comments


Leave comment