1.14 - ચક્રવાકમિથુન / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની :
ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની!

સરિતનાં જલ કૃષ્ણ જરા થયાં,
કિરણ સૂર્ય તણાં શિખરે ગયાં;
સભય નાથ પ્રિયા હૃદયે ધરે,
વિરહ સંભવ આકુલતા કરે!

ઝાંખાં ભૂરા ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ;
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!
પાસે સામે તમ પ્રસરતાં એક ઉદ્ગ્રીવ જોય,
ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લ્હોય.

વિહગયુગ્મ કિશોર રસજ્ઞ એ,
રસ મહીં જ પરસ્પર મગ્ન એ,
નિભૃત અત્ર અહર્નિશ આવતું,
રમણ આચરવા મન ભાવતું!

ઊંચે બેસી રવિઉદયને જેહ સાથે વિલોકે,
ઘેલાં જેવાં ક્ષણ સ્મૃતિ થતાં જે દીસે હર્ષશોકે;
ઘાટાં ભીનાં વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ,
માણિક્યોથી ગ્રથિત સરખાં રમ્ય જ્યાં થાય પર્ણ.

હરિત નીલ સુદૂર વનસ્થલી —
પર મળી સુકુમાર મૃગો રમે;
ઉપવનો તણી સંવૃત આવલી —
મહીં જવા પ્રણયી તરુણો ભમે!

નાનાં નાનાં ક્યહીં શુચિ સરો, કચ્છ ઉત્તાન રમ્ય,
સ્નેહે જોવા થકી ઊપજતી ભાવના કૈં અગમ્ય!
આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય
શાનો ક્યાંથી કંઈ નીસરતો મિષ્ટ આમોદ વાય!

અસર સુંદર અદ્ભુત રંગની,
સકલ સૃષ્ટિ નવીન ખરે બની;
રવિમરીચિ બધે હિમને હરે,
ગહનમાં તદનંતર ઊતરે.

શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી,
શોધી કાઢે દયિત નયનો, જોઈને હૃષ્ટ થાતી;
ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે,
ક્રીડા એવી કંઈ કંઈ કરે મૌગ્ધ્યમાં દંપતી તે,

સુયુત બે ચરણો થકી ઊડતાં,
પવનથી પડતાં કંઈ બૂડતાં;
વિમુખ એકલી ન્હાતી પ્રિયા-શિરે,
પતિ જઈ અભિષેક કદી કરે!

કાંઠે બેસી નજર કરતાં આત્મછાયા જણાય,
બીજાંની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દૃષ્ટિ તણાય.
પૂરાં અંગો નહિ કંઈ દીસે, પ્રેમ તો તોય વાધે,
જોતાં જોતાં મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે!

પ્રણયની પણ તૃપ્તિ થતી નથી :
પ્રણયની અભિલાષ જતી નથી :
સમયનું લવ ભાન રહે નહિ :
અવધિ અંકુશ સ્નેહ સહે નહિ!

હાવાં રક્ત દ્યુતિ ઊડી જતાં થાય વૃક્ષો સરોષ,
હાવાં ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ;
આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યહીંથી,
જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહનિદ્રા મહીંથી.

વિરહસંભવને વીસર્યાં હતાં,
બની નિરંકુશ બેય ફર્યાં હતાં;
જવનિકા ત્રુટતાં સ્મૃતિનાશની,
નિકટ મૂર્તિ ઊભી વિધિપાશની!

અનુભવે ન છતાં ક્ષણ એક તે,
વિવિશ, મૂઢ, નિરાશ જ છેક તે;
સહુ થનાર ક્રમે નજરે વહ્યું,
રુદન અંતરમાં ઊછળી રહ્યું!

અંધારાનાં પ્રલયજલથી યામિની પૂર્ણ ઘોર,
સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત શોર,
ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુરપ્રાણ કાલઃ
આભાસોથી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહબાલ!

થઈ તથાપિ વિમુક્ત પ્રયાસથી,
લઈ વિદાય નદીતટ પાસથી;
મિથુન એહ ચડે અવકાશમાં,
સ્થિતિ કરે દિનતેજ-સકાશમાં.

અવર કાંઈ હવે નથી દેખતાં :
અવર કાંઈ હવે નથી લેખતાં :
ચપલ, આખરની, ક્ષણ એ છતાં,
ઉભય જીવન એક થતાં દીસે!

ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ,
ઊડી બંને ગ્રહણ કરતાં ઉન્નત સ્થાન તેમ;
દૃષ્ટિ પ્રેરે વિતત ગગને, કાંતિ કૈં ના જણાય.
આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાય.

ઉદધિને રવિબિંબ હવે અડે,
અતિ સમુચ્છ્તિ તેય હવે ચડે,
ક્ષણ લગી પરિરંભ કરી રહે,
હૃદય કંપિત સાથ ધરી રહે!

રોમે રોમે વિરહભયની વેદનાથી બળે છે,
છૂટી છૂટી, સહન ન થતાં, મત્ત પાછાં મળે છે;
વેળા થાતાં વિધિદમનની ગાત્ર ખેંચાય સામાં,
પ્રેમી બંને ધૃતિ અતિ છતાં થાય સંમૂઢ આમાં.

ટળવળે નીરખી રચના વને,
તરફડે સમજી રચનારનેઃ
શ્વસન દુઃખિત છેવટ સારતી,
પ્રિયતમા વચ આમ ઉચારતીઃ—

“પાષાણોમાં નહિ નહિ હવે આપણે નાથ! ર્હેવું :
શાને આવું, નહિ નહિ જ, રે! આપણે, નાથ! ર્હેવું!
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ,
આનાથી કૈં અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ!”

પ્રવદતાં અટકી ગઈ એ અહીં,
અધિક ધીરજ ધારી શકી નહીં;
થઈ નિરાશ હવે લલના રુવે,
મૃદુલ પિચ્છ થકી પ્રિય તે લ્હુવે!

પણ હજી દિન શેષ રહ્યો જરા,
નજર ફેરવી જોઈ બધી ધરા;
પ્રણયવીર લહી સ્થિરતા કહે,
અગર જો રુજ અંતરમાં સહે :—

હા! શબ્દો આ સરલ સરખા મર્મને તીવ્ર ભેદે,
ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે;
“લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ઘ તેવી,
આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય! આશા જ કેવી!

અવર કાંઈ ઉપાય હવે નથી :
વિરહ, જીવન, સંહરીએ મથી :
ગહનમાં પડીએ દિન દેખતાં :
નયન મીંચી કરી દઈ એકતા!”
***
પાછું જોતાં દ્વિજયુગલને અન્યથા થાય ભાસ,
ઊંડું ઊંડું દિનકર સમું કૈંક દેખાય હાસ;
“આહા! આહા! અવર દુનિયા! ધન્ય!” એ બોલતામાં,
નીચે નીચે ઊતરી પડતું વેગથી દંપતી ત્યાં!

અધિક એહ પ્રકાશ થતો જતો,
જવ જનાર તણો વધતો જતો;
અમિત એ અવકાશ તણી મહીં,
ક્યહીં અચેતન એક દીસે નહીં!


0 comments


Leave comment