1.19 - અશ્રુને આવાહન / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


બધે આ વેળાએ ગહન સરખી શાંતિ પ્રસરી,
વહી ચાલી રાત્રિ જગ સકલને નિદ્રિત કરી;
કર્યા કોટી યત્નો, બહુ બહુ ઉપાયો પણ વળી,
તથાપિ મારી તો, અરરર! હજી આંખ ન મળી!

મળે એ શી રીતે? નથી હૃદય પ્હેલાં તણું હવે,
બન્યું એ તો બીજું : બહુ જ બદલાયું અનુભવે;
હવે સૂવા દેતું નથી શયનમાં તુર્ત પડતાં,
નિશાઓ ગાળું છું અતિશય ઘણી વાર રડતાં!

અરે! એનો એ હું, બહુ વખત વીતી નથી ગયો,
હતો કેવો! આજે, અરર! પણ આવો ક્યમ થયો!
જરા ન્હોતી ચિંતા, હૃદય સુખમાં રોજ રમતું,
ખુશીથી, સૌ રીતે, સકલ વખતે, સર્વ ગમતું!

અરે! આજે તો રુજ હૃદયને દારુણ દમે,
બહુ રાખું ધૈર્ય, પ્રભવ પણ આઘાત ન ખમે;
નહીં આવે આંસુ, કઠિન બલ સાંખી ક્યમ શકું,
નથી ગ્રાવા છાતી, અશરણ હવે હું નહિ ટકું!

અરે! આવો, વ્હાલા! અંવર નથી આધાર જ રહ્યો,
વહો, આંસુ મીઠાં! વિષમ ભર જાતો નથી સહ્યો;
તમે ચાલો, વર્ષો, નયન થકી ધારા થઈ પડો,
બધે, અંગે અંગે, સુહૃદ સરખાં સત્વર દડો!

રહ્યાં છોજી મારાં શિશુપણું હતું તે સમયથી,
વિનંતીને મારી કદી પણ અકારી કરી નથી;
ઘણી વેળા ભીંજી તનુકુસુમને સૌમ્ય કરતાં,
શમાવીને હૈયું તરત વળી સ્વસ્થાન સરતાં!

નથી પાસે કોઈ પ્રિય હૃદયને શાંત કરવા,
ધરી સાથે છાતી જ્વલિત મહીં પીયૂષ ભરવા;
વહો માટો હાવાં, વિવશ બનતાં હું કરગરું,
તે ચાલો વ્હાલાં! સ્ફુટિતઉર આવાહન કરું!

ખરે! ત્યાં તો સ્નેહી સદય દિલમાં દૂર ઊછળ્યાં,
ચડયાં ઊંચે વેગે, ઉભય નયનો અંદર મળ્યાં;
પડી ધારા ધોળી અમૃત સરખી શીતલ હવે,
નહીં થાતાં ઓછી પ્રચલિત રહી તાદૃશ જવે!

વિચાર્યું મેં, વસ્તુ પ્રણય સરખી છે નહીં અહીં;
પ્રતીતિ કીધી, કે ફલ લવ નથી જીવન મહીં;
હજારો વાતોનાં સ્મરણ ગહને જ્યાં પડી ગયો,
રહ્યાં એ અશ્રુ તો નહિ, તદપિ નિદ્રાવશ થયો!


0 comments


Leave comment