59 - ઘાયલ સમયનાં રક્તમાં ખરડાય શૂન્યતા / આદિલ મન્સૂરી


ઘાયલ સમયનાં રક્તમાં ખરડાય શૂન્યતા,
એકાંત ખંડિયેરમાં પડઘાય શૂન્યતા.

વનવન નગરનગર થઇ ઘરઘર ગલીગલી,
વ્હેતી હવાના હાથથી વહેંચાય શૂન્યતા.

પરપોટા રૂપે પાણી ઉપર ઉપસી આવતી,
મૃગજળ બનીને રેતમાં છલકાય શૂન્યતા.

એકાન્તમાં કણસતું રહે ઓરડાનું મૌન,
ઘરની ઉદાસ ભીંતમાં તરડાય શૂન્યતા.

પૂછી જુઓને કોઈ આ આકાશને જરા,
એવું તે કેવું પાત્ર કે જીરવાય શૂન્યતા?

ગરદન ઝુકાવીને જ હવે ચાલવું રહ્યું,
ઊંચી નજર કરો તો ઉઝરડાય શૂન્યતા.

ફાટે, ‘કશું ન હોવાનો’ જ્વાળામુખી અગર,
લાવા સ્વરૂપે વિશ્વમાં પથરાય શૂન્યતા.

આંખો ઉપરથી સ્હેજ ખરી જાય આવરણ
‘આદિલ’ પછી ક્ષિતિજ સુધી દેખાય શૂન્યતા.


0 comments


Leave comment