46 - દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં / આદિલ મન્સૂરી


દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં,
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં.

સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં,
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં.

પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને,
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં.

ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં.

જોવા મળ્યા આ શહેરમાં એવાય લોક જે,
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં.

એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા,
સોનું સતત કસાય છે માણેકચોકમાં.

નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી,
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં.

અત્યંત ખાનગી હશે જે વાત એ વિષે,
જાહેરસભા ભરાય છે માણેકચોકમાં.

કિલ્લાના કાંગરાઓથી ઉતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં.

રંગીન પાલવોમાં પવન મ્હેક પાથરે,
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં.

ઉઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી,
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં.


0 comments


Leave comment