7 - સેંકડો વર્ષોથી આકાશે બળે છે તારલા / આદિલ મન્સૂરી


સેંકડો વર્ષોથી આકાશે બળે છે તારલા,
રાતના અંધકારને ધોવા મથે છે તારલા

ચાંદનો દીવો લઈ આકાશના જંગલ મહીં,
રાતભર ઉષા, તને શોધ્યા કરે છે તારલા.

ચાંદનીમાં એકલો ફરતો નિહાળીને મને,
એકબીજા સામે જોઈને હસે છે તારલા.

ચાંદ સાથે વાદળોને ગેલ કરતા જોઈને,
આગમાં ઈર્ષા તણી સળગી મરે છે તારલા.

દિવસે ક્યારેય દેખાતા નથી આકાશમાં,
આટલાં શું કામ સૂરજથી ડરે છે તારલા?

સ્થાન હું શોધું છું મારું એમની આંખો મહીં,
જેમની આંખોથી આંસુ થઈ ખરે છે તારલા.

એમની પોતાનીયે મંઝિલનું ઠેકાણું નથી,
અન્યને શું રાહ બતલાવી શકે છે તારલા?

આભની વધતી જતી રંજાડથી ત્રાસી જઈ,
છેવટે ધરતી ઉપર પડતું મૂકે છે તારલાં.


0 comments


Leave comment