1.59 - પ્રાર્થના અને પ્રતિધ્વનિ / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


“પિતાજી! બચાવો : બચાવો : બચાવો મહાસાગરે!
જીવ મારો બહુ ગભરાય! બચાવો મહાસાગરે!

પારાવારે દુશ્મન મળી મારે, પિતા તારે નહીં બીજો માનવી.
દયાનિધિ! તમે જ સહાય! બચાવો મહાસાગરે !

નથી એકલની, નાથ! હોડી; પૂંજી છે ના થોડી પિતાજીના સ્નેહની :
મારે વાંકે રખે એ ડુબાય! બચાવો મહાસાગરે!”
***
“મહાસાગર દયા મહાસાગર! વ્હાલાંઓ, ડરશો નહીં!
નથી સંસાર પારાવાર! વ્હાલાંઓ, ડરશો નહીં!

દિલમાંના દુશ્મન દૂર થાશે, પાછા પડી જાશે પિતાજીના શબ્દથી :
પ્રભુ જીવનમાત્રાધાર! વ્હાલાંઓ, ડરશો નહીં!

હોડી દાનવ ના શકે તોડી : વિધાતાએ જોડી બધાં નિજ બાલની :
સ્વામી સંકટે ઉદ્ધારનાર! વ્હાલાંઓ, ડરશો નહીં!


0 comments


Leave comment