45 - પ્રતિબિંબ કોના સ્મિત કરે છે તુષારમાં? / આદિલ મન્સૂરી


પ્રતિબિંબ કોના સ્મિત કરે છે તુષારમાં ?
ઉપવનથી કોણ નીકળ્યું વ્હેલી સવારમાં?

ફૂલો ઉપરથી કેમ આ ખસતી નથી નજર !
કોના વદનના રંગ ભળ્યા છે બહારમાં.

કોનો અવાજ દેહમાં પડઘાય છે હજી,
છાયા બનીને કોણ ફરે છે વિચારમાં?

એકાન્તની પળોની વ્યથા પૂછશો નહીં,
શોધ્યા કરે છે આંખ કશું અન્ધકારમાં.

ફૂટી રહ્યા છે ફૂલ કબરની તિરાડથી,
ઊતરી ગઈ ન હોય વસંતો મઝારમાં !

‘આદિલ’ ઢળ્યું શરીર ને આંખો ઢળી નહીં,
મૃત્યુ પછીયે જીવ રહ્યો ઈંતેઝારમાં.


0 comments


Leave comment