78 - રાતે / આદિલ મન્સૂરી


બંધ કિલ્લાની પછીતે,
જીર્ણ ભીંતે,
એક કાળો શ્વાન
પડખાંઓ ઘસે;
નાકને ઊંચું કરી
સૂંઘે કશું
ભીની બખોલે,
પાછલા પગથી
ઘરાને ખોતરે,
ને ઉડાડે ધૂળ
પીળાં શ્હેરના ચ્હેરા ઉપર,
ક્ષયથી
પીડાતો સમય
કણસ્યા કરે
ખખડી ગએલા ટાવરે,
રેતનું
કોરું કફન ઓઢી
નદી પોઢે.
અંધ રાત્રી
શ્હેરનું એકેક ઘર
ફંફોસતી ફંફોસતી
પાછી ફરે,
થાકી જઈ
કાળી તણાં ચરણો મહીં
આવી ઢળે
અંતે.


0 comments


Leave comment