63 - મૌનમાં મારા વિચારો વિસ્તર્યા / આદિલ મન્સૂરી


મૌનમાં મારા વિચારો વિસ્તર્યા,
આજ શબ્દો કેટલા પોકળ ઠર્યા.

રાત્રીએ ઓઢ્યું ઉદાસીનું કફન,
શૂન્યતાની આંખથી તારા ખર્યા.

હા; કઠણતાઓ બધી કોમળ થઇ,
પથ્થરો વચ્ચે સમયજલ નીતર્યા.

કોઈ અમને ઓળખી યે ના શક્યું,
શહેરની એકેક શેરીમાં ફર્યા.

દાદ આપો એમને ભેગા મળી,
સૂરજોને જેમણે દર્પણ ધર્યા.

આત્મહત્યાના ઈરાદાથી ઊઠ્યા,
જઈ ને દરવાજા સુધી પાછા ફર્યા.

હા તમે કહેતા હતા એમ જ થયું,
છેવટે ‘આદિલ’ તમે સાચા ઠર્યા.


0 comments


Leave comment