3.27 - પ્રલાપ પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


આવી છે સખી આપની પાસ, પિતા!
તને સ્નેહ બતાવીને સાચવજો!
કરે પ્રાર્થના દીન આ દાસ, પિતા!
તેને સ્નેહ બતાવીને સાચવજો!

કલિનું બલ જે થકી દૂર હતું;
ઘરમાં પ્રિય શીતલ નૂર હતું!
સુખ સૌમ્ય સદા ભરપૂર હતું;
તેને સ્નેહ બતાવીને સાચવજો!

હતું હૈયું એ વત્સલતાથી ભર્યું;
વચનામૃત કોમલ નિત્ય ઝર્યું;
હું પાસેથી અચાનક શાને હર્યું?
તેને સ્નેહ બતાવીને સાચવજો!

તનું અંગ હજી દૃગ પાસ તરે;
કૂણી આંગળીઓ જાણે સ્પર્શ રકે;
ધરણી પર આ મુજ સાથ સરે;
તેને સ્નેહ બતાવીને સાચવજો!

આપે બક્ષેલી ને આપે પાછી લીધી;
રાખી આટલાં વર્ષ એ ર્હેમ કીધી;
વ્યથા લાંબી વિના હા! ઉઠાવી લીધી;
તેને સ્નેહ બતાવીને સાચવજો!

મુનિને ત્યાંથી સન્મતિદાન કરે;
હૃદયે શુભ સુંદર શેષ સરે;
નવો પ્રાણ જયંતકુમારે ભરે;
તેને સ્નેહ બતાવીને સાચવજો!

તેનું નામ આ હિંદ સમસ્ત જપે;
દેવી નર્મદાને તટે તાપ તપે;
સ્વર્ગોમાંય મને તો ન બીજી ખપે;
તેને સ્નેહ બતાવીને સાચવજો!

અપરાધી છું પાપ અનેક તણો;
મુજ અંતર છે હજી મેલ ઘણો;
જેવો છું તેવો સેવક નાથ! ગણો;
તેને સ્નેહ બતાવીને સાચવજો!

મને દર્શનનો અભિલાષ હજી;
મને સ્પર્શનનો અભિલાષ હજી;
મને લગ્ન તણી પણ આશ હજી;
તેને સ્નેહ બતાવીને સાચવજો!

તેની ડોલર ના કરમાઓ કદી;
તેની વાડી નહીં શરમાઓ કદી;
નહીં વહેમ વિશે ભરમાઓ કદી,
તેને સ્નેહ બતાવીને સાચવજો!

કરે પ્રાર્થના દીન આ દાસ, પિતા!
તેને સ્નેહ બતાવીને સાચવજો!
આવી છે સખી આપની પાસ પિતા!
તેને સ્નેહ બતાવીને સાચવજો!


0 comments


Leave comment