21 - જવાની તો ઘડી કે બે ઘડી છે / આદિલ મન્સૂરી


જવાની તો ઘડી કે બે ઘડી છે,
છતાં ડગલે અને પગલે નડી છે,

કદી મંઝિલમાં ખોવાઈ ગયો છું,
કડી રસ્તામાં મંઝિલ સાંપડી છે.

સવારે ફૂલ ભીનાં જોઈ લાગ્યું,
અહીં આકાશની આંખો રડી છે.

તું બોલાવ્યા વગર આવે તો સારું,
મને તારી જરૂરત તો પડી છે.

અરે, આ ઝુલ્ફ જાણે વેલ કોઈ,
અને આ હોઠ જાણે પાંખડી છે.

ગઝલનો ‘ગ’ ફક્ત ઘૂંટ્યો છે ‘આદિલ’
હજુ બાકી કવન-બારાખડી છે.


0 comments


Leave comment