62 - સાગરનાં ભૂરા ભેજમાં ભીંજાય ચાંદની / આદીલ મન્સૂરી


સાગરનાં ભૂરા ભેજમાં ભીંજાય ચાંદની,
રેતીમાં સૂર્યસ્પર્શથી સૂકાય ચાંદની.

થીજી ગઈ છે મ્હેક પવનનાં શરીરમાં,
કાળાં સમયના હાથમાં કરમાય ચાંદની.

પડતું રહે છે આભથી ઝાકળ તમામ રાત,
સામે ક્ષિતિજની પાર શું ધોવાય ચાંદની.

કાળી અમાસ રાતની દીવાલ પર કદી,
માંડી જુઓ જો કાન તો સંભાળાય ચાંદની.

એ આખી રાત છાપરા ઉપર પડી રહે,
વ્હાણું થતાં જ ક્યાંક ઉડી જાય ચાંદની.

માણું છું રોમેરોમ હવે એનો શ્વેત સ્પર્શ,
આ અન્ધકારમાં મને વીંટળાય ચાંદની.


0 comments


Leave comment